Sunday, 13 August 2017

રાષ્ટ્રવાદની દિવાલની પેલે પાર
વાદ એ એવી વસ્તુ છે જેમાં આપણે આપણું જ શ્રેષ્ઠ અને બીજાનું ઉતરતું એમ માનીએ અને વર્તીએ છીએ. આવા કેટલાયે વાદોમાં આપણે અટવાયેલા છીએ. જેવું કે રાષ્ટ્રવાદ, પ્રદેશવાદ, જાતિવાદ, ભાષાવાદ, ધર્મવાદ, ઈશ્વરવાદ. આવો દરેક વાદ એ સંકુચિતતા છે..  સૌથી મોટો વાદ છે રાષ્ટ્રવાદ. રાષ્ટ્રવાદમાં મારો દેશ શ્રેષ્ઠ છે, તેને પ્રેમ કરવો અને તેને સમર્પિત થવું. પ્રાથમિક ધોરણે એમ લાગે છે કે આપણે રાષ્ટ્રવાદમાં સર્વના હિતની વાત કરીએ છીએ. પરંતુ આપણે આખી પૃથ્વીના હિતની જગ્યાએ માત્ર આપણા દેશની સીમાની અંદરના લોકોના જ હિતની વાત કરી રહ્યા છીએ. આપણે બીજી દલીલ કરીએ કે આપણે આખી દુનિયાના લોકોનું ભલું ના કરી શકીએ માત્ર આપણા દેશના લોકોનું જ હિત કરી શકાય અથવા તેમની સાથે જ જોડાઈ શકીએ તેથી તેટલું જ વિચારવું સાચું છે. તો આ દલીલને પણ મર્યાદા છે. આપણે ખરેખર આ દેશના સવા અબજ લોકોમાંથી કેટલાનું ભલું કરી શકીએ કે તેમને મળી શકીએ? આપણે ઘણું ખરું જે ગામ, નગર, શહેરમાં કે પ્રદેશમાં રહેતા હોય તેના કેટલાક લોકોનું જ ભલું કરી શકીએ કે તેમેને વાસ્તવિક રીતે મળી શકીએ અને પોતાના કરી શકીએ. તેમ છતાં આપણે આખા ભારતને મારો દેશ અને બધા ભારતીયો મારા ભાઈબહેન છે તેવી ભાવના રાખીએ છીએ. તો દલીલની બીજી બાજુએ જોઈએ, જો આપણે આ આખા દેશના લોકોનું ભલું નથી કરી શકવાના, તેમેને કદી મળી નથી શકવાના તો પણ પોતાના કહીએ છીએ તો તેવું જ દુનિયાના કોઈ પણ દેશના વ્યક્તિ સાથે પણ થઇ શકે. કોઈ પણ દેશના નાગરિકને આપણે વગર મળે, વગર જાણે આપણો પોતાનો કહી જ શકીએ. આ પૃથ્વી પર આપણે સરહદ બાંધીને સરહદની બીજી બાજુના લોકો અપણા નથી તેમ વિચારવા લાગીએ છીએ. માત્ર તેટલું જ નહિ પણ તેમને વગર સમજ્યે દુશ્મન પણ ગણીએ છીએ. આ પૃથ્વી પર સીમાઓ બનાવી  કોણે? એક દેશ બીજા દેશ સાથે યુદ્ધ કે સંધી થાય તે વખતે દેશની સીમાઓ બદલાય છે.  જીતેલા દેશની જમીન પર આપણે આપણી રેખા દોરીને તે જમીનને આપણી કહીએ છે.  સીધો મતલબ એ છે કે સીમાઓ અંકિત કરવાનું કામ કુદરતે નહિ પણ મનુષ્યે કર્યું છે.


મારે મને પોતાને સારો કહેવો તેની ના નથી જ પરંતુ બીજા લોકોને વગર સમજે ખરાબ કહેવા તે અયોગ્ય અને મુર્ખતા છે. મારા દેશની સીમાની અંદરના બધા લોકો સારા અને બીજા દેશની સીમાની અંદર રહેલા બધા ખરાબ કે મારા દુશ્મન એવું કેવી રીતે હોઈ શકે? તમને અનુભવ છે જ કે આપણા પોતાના વ્યક્તિત્વમાં જ સારી અને ખરાબ બંને વાતો એક સિક્કાની બે બાજુની જેમ રહેલી છે. તમારા પાડોશના, ગામ, શહેર કે દેશના ઘણાયે લોકો સાથે તમારે વૈચારિક મતભેદ તો છે જ પણ તમને તેઓ ખરાબ અને દુશ્મન જેવા પણ લાગે છે એ સૌથી મોટું ઉદાહરણ છે કે કહેવાતા મારા દેશમાં પણ ખરાબ લોકો છે જ. તો સામે પક્ષે તમે ખુબ માન અપાતા હોય એવા ઘણા લોકો પણ છે જ અને તેથી સારા લોકો પણ તમારા દેશમાં છે જ. તો આ જ હકીકત આપણી કહેવાતી સીમાની પેલે પાર રહેલા બીજા દેશની પણ છે. તેમાં પણ સારા અને ખરાબ લોકો છે જ. સારા અને ખરાબની વ્યાખ્યા એ સાપેક્ષ અને વ્યક્તિગત ધોરણે જ હોય છે. તેથી તે શબ્દો પ્રયોજવા પણ યોગ્ય નથી પણ સામાન્ય સમજણ માટે પ્રયોજ્યા છે. હવે સીમાની પેલી પાર રહેલા સારા લોકોને આપણે મળ્યા અને જાણ્યા નથી તે પહેલાં તેઓ બધા મારા દુશ્મન કે ખરાબ એવું કેવી રીતે ઠરાવી શકાય? શું પેલે પારના સારા લોકોને મળવું ના જોઈએ?


જેમ આગળ કહ્યું તેમ સરહદ તો માનવે અંકિત કરી છે કુદરતે નહી. તો વાસ્તવિક રીતે સરહદની પેલે પાર એ એક ભ્રમ માત્ર છે. તો કહેવાતા પેલે પારના લોકો જેવું કશું છે જ નહિ. તે બધા માત્ર ભૌતિક અંતરથી દુર હોઈ શકે બાકી આપણે બધા સાથે એક જ પૃથ્વી પર વસતા પૃથ્વીના સંતાનો છીએ. આખી પૃથ્વી આપણા માટે છે. કુદરતે આપણને આ પૃથ્વી પર અલગ અલગ જગ્યાઓ પર જન્મ આપ્યો છે અને તે પછી આપણે ઈચ્છીએ તો સ્થળાંતર કરી શકીએ છીએ. તમે આ જ દેશમાં એક સ્થળેથી બીજા સ્થળે જાઓ ત્યારે એક તાલુકાથી બીજા તાલુકાની હદમાં, એક જીલ્લાથી બીજા જીલ્લાની હદમાં જાઓ છો અને તમને ક્યારેય તેનો અહેસાસ પણ નથી થતો કે તમે એક હદમાંથી બીજી હદમાં ગયા. સમજણ અને વ્યવસ્થાપન માટે આ હદો છે અને બસ તેની તેટલી જ કિંમત છે બાકી આખી પૃથ્વી તો એક છે. તેવું જ એક દેશથી બીજા દેશ માટે પણ છે પણ આપણે ત્યાં ખુબ જ સ્પષ્ટ ભેદ કરવા તારની ઉંચી વાડ બનાવી એક દેશથી બીજાને અલગ પાડ્યા છે. એક દેશથી બીજા દેશમાં જવા ખાસ પરવાનગી લેવી પડે છે. હવે વસુધૈવ કુટુંબકમની વાત કરીએ. વસુધૈવ કુટુંબકમની વાત કે ભાવના ઉભી કરનાર ભારત દેશ છે એમ આપણે ગર્વ લેતા હોય તો આપણે આ વસુધૈવ કુટુંબકમની વાતને  ખુબ સારી રીતે સમજી લેવી જોઈએ. રાષ્ટ્રવાદ અને આ વસુધૈવ કુટુંબકમની વાત વચ્ચે મોટો વિરોધાભાસ છે. આખું વિશ્વ એક કુટુંબ છે. જો આખું વિશ્વ એક કુટુંબ હોય તો મારો પાડોશી કે મારા ગામનો કોઈ પણ વ્યક્તિ મારો કુટુંબી થયો. તેવી જ રીતે મારા રાજ્યનો કે મારા દેશનો અને બીજા કોઈ પણ દેશનો કોઈ પણ વ્યક્તિ મારો કુટુંબી થયો. જો તે મારો કુટુંબી હોય તો હું મારા ભાઈ-બહેન સાથે જે વર્તાવ કરું તે જ વર્તાવ મારે તેની સાથે કરવો પડે. અથવા જો હું તેને મારા ભાઈ બહેન માનું તો તેવો વર્તાવ એ કુદરતી રીતે જ થાય. અને તો જ વસુધૈવ કુટુમ્બકમ સાકાર થાય. જો આપણે  આમ કરી શકતા હોય તો જ આપણને તેની વાત કરવાનો હક છે અને તો જ આપણે તેનો ગર્વ લઇ શકીએ.  જો કોઈ પણ દેશમાં મારા ભાઈઓ જ રહેતા હોય તો આવી સરહદોની જરૂરિયાત જ કેમ રહે? તેઓ આપણા દુશ્મનો કેવી રીતે હોઈ શકે?


હવે કરીએ કુદરતના નિયમની વાત. રાષ્ટ્રવાદ મારો દેશ જ શ્રેષ્ઠ છે તેમ ગણે છે. ઘણા લોકોને પણ તેમ જ છે કે પૃથ્વી ઉપર ભારત જ બધી રીતે એક સૌથી મહાન દેશ છે ( કે હતો? ) ( કેટલાય ભારતીયો સ્વીત્ઝર્લેન્ડ, સિંગાપોર, મલેશિયા અને દુબઈ ફરવા જાય છે અને અમેરિકા, કેનેડા, બ્રિટન, ઓસ્ટ્રેલીયા તથા ન્યુઝીલેન્ડ જેવા દેશમાં કમાવા જવા અને કાયમી વસી જવાની હોડમાં કેમ છે? ભારતમાંથી આવ્યો તેવો રૂઆબ મારવાની જગ્યાએ અમેરિકાથી આવ્યો તેવો રૂઆબ કેમ રહે છે? ). ભૌગોલિક રીતે અને વાતાવરણની રીતે વાત કરું તો, કુદરતનો નિયમ છે અનન્યતા. અને તેના વડે કુદરત સર્વ વસ્તુઓમાં વૈવિધ્ય રાખવા માંગે છે. તો કુદરતી રીતે સૌથી સારી બધી જ વસ્તુઓ માત્ર ભારતમાં જ કેમ હોઈ શકે?  કુદરતે ભારતના દરેક પ્રદેશ અને દુનીયાના દરેક દેશને તેની પોતાની અનન્ય ભૌગોલિક અને અનન્ય આબોહવાની પરિસ્થિતિ, બીજી કુદરતી સપત્તિ અને મહાન લોકો આપ્યા  છે. ( દરેક દેશ-પ્રદેશની અનન્ય વૈવિધ્યતા અને શ્રેષ્ઠતા પર ખુબ લાંબી વાત કરી શકાય એમ છે. ) તો કોઈ એક દેશ સૌથી મહાન હોઈ શકે એ વાત કુદરતના નિયમને ખોટો સાબિત કરવા જેવી છે અને જે ક્યારેય શક્ય ન બને. હજારો નવીન શોધો બીજા દેશોમાં થઇ અને આપણે તેનો ઉપયોગ કરી રહ્યા છીએ અને તે દરેક રાષ્ટ્રવાદી લોકો પણ વાપરી રહ્યા છે. અને તે કરવું યોગ્ય, સાહજિક અને કુદરતના નિયમને માન આપવા બરાબર જ છે.દરેક વાદ માત્ર ગેરસમજણ સિવાય બીજું કશું જ નથી. આ બધા વાદો એ દંભ અને કારણ વગરની દીવાલો ઉભી કરવાનું જ કામ કરે છે.

No comments:

Post a Comment