Thursday, 19 February 2015

Uniqueness in Gujarati ( I am the one of my kind! )

મારા જેવો તો હું એક જ !
આ જગતમાં દરેક વસ્તુ અનન્ય છે. અનન્યતા એ કુદરતના મૂળભૂત સિદ્ધાંતોમાંનો એક છે. જેમ કે ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત. મૂળભૂત સિદ્ધાંતનો અર્થ જ એ છે કે કુદરત તેમ ઈચ્છે છે. અને જેથી આપણે  કોઈ પણ રીતે તેને બદલી ના શકીએ. 

અનન્ય એટલે ' એક અને માત્ર એક જ ' મતલબ કે તેના જેવું બીજું એક પણ નહિ.  ઉદારહણ તરીકે તમે કોઈ આંબાવાડીમાં જાઓ અને 25 આંબાના ઝાડને જોઈ લો. દરેક ઝાડને બીજા ઝાડ સાથે સરખાવીને બે સરખા ઝાડ શોધવાની કોશીસ કરો.  કોઈ પણ બે ઝાડનાં આકાર  સરખા નહિ મળે. બીજું ઉદારાહણ  લઈએ, લીમડાના 2-3 ઝાડના બધા પાંદડા ઉતારી લો. માનો કે તે પાંદડાની સંખ્યા હજારોમાં છે. હવે ખુબ ચોકસાઈથી આ બધા પાંદડામાંથી બે સરખા આકારના પાંદડા શોધવાની કોશીસ કરો.  ચોક્કસ તમને નહિ મળે. કુદરતે પોતે સર્જેલી આવી દરેક વસ્તુ અનન્ય છે. દરેક પત્થર, દરેક વૃક્ષ , દરેક પાંદડું, દરેક પક્ષી, દરેક  નદી, પર્વત, દરેક સ્થળ, ત્યાની આબોહવા આ સર્વ  અનન્ય છે. 
દરેક ઘટના અનન્ય છે. મતલબ કે તેવી ઘટના ભૂતકાળમાં ક્યારેય બની નથી અને ભવિષ્યમાં બને નહિ. બે પાંદડાના ઉદાહરણમાં જેમ તમને તફાવત મળ્યો હતો તેમ જ બે, એક સરખી લાગતી ઘટનાઓમાં પણ તમને કેટલાક સુક્ષ્મ તફાવતો સહેલાઈથી મળી જશે. 
વધુ સમજીએ તો કુદરત એકસરખી દેખાતી વસ્તુઓમાં પણ તફાવતો મુકીને વૈવિધ્ય જાળવવા માંગે છે. 
 
આ પૃથ્વી  પર બિલકુલ તમારા જેવા સરખા વ્યક્તિને શોધવાની કોશીસ કરો. તે પણ શક્ય નહિ બને. ભુતકાળમાં  કુદરતે તમારા જેવી વ્યક્તિ પહેલા બનાવી નથી, વર્તમાનમા બીજું કોઈ છે નહિ અને ભવિષ્યમાં કોઈ બને જ નહિ.  તમારો દેખાવ, તમારી ચામડી નો રંગ , તમારા વાળનો રંગ, તમારા બોલવાનો આવાજ , તમારી બોલવાની પદ્ધતિ, તમારા હસ્તાક્ષર, તમારી  હથેળી  પરની   રેખાઓ, તમારી પસંદગીની વસ્તુઓ, તમારો સ્વભાવ વગેરે વગેરે એકદમ અનન્ય છે. તમારા જેવા તો તમે એક જ છો બીજું કોઈ જ નહિ.  તમે અનન્ય છો. 
તમે જેમ અનન્ય છો તેમ દુનિયામાં દરેક વ્યક્તિ અનન્ય છે. વધુમાં તમારી આસપાસ દેખાતી દરેક વ્યક્તિ અનન્ય છે. તેથી દરેકના સ્વભાવમાં અંતર રહેવાનું છે. મને ગમતી વાતો અને વસ્તુઓ તમને ગમશે એવું દરેક વખતે જરૂરી બને નહિ.  મને આ વ્યક્તિ  સાથે ખુબ સારી ફાવટ છે એવું બોલાતી વખતે પણ આપણે જાણતા  હોઈએ છીએ કે એ વાત સંપૂર્ણ સાચી નથી. અહી  અનન્યતા તો રહેવાની જ ! આ માનવસમુદાય માંથી તમેં દુર  જઈ નહિ શકો અને બીજાને બહાર ધકેલી નહિ શકો અને બીજો જે પણ વ્યક્તિ તમને મળશે તે પણ અનન્ય જ હશે.  આવી પરિસ્થિતિમાં  આપણે પોતાને અપણા અનન્ય રૂપમાં  અને બીજાઓને તેમના અનન્ય રૂપમાં સ્વીકારવાની ટેવ પાડવી પડશે. 

 આપણી  આસપાસ હમેશા વૈવિધ્યપૂર્ણ વસ્તુઓ, વ્યક્તિઓ અને પરિસ્થિતિઓ  જ આવવાની છે તે સત્ય બદલી શકાશે નહિ. 

આ સિદ્ધાંતની બીજી મઝાની વાત એ છે કે કુદરત દરેકને મહાન બનાવવા ઈચ્છે છે.  આ સિદ્ધાંત નો અમલ કરતા કુદરતે દરેક વ્યક્તિમાં કેટલીક આગવી ખૂબીઓ  મૂકી છે. કોઈ ને લખતા સરસ આવડતું  હોય, કોઈને બોલતા અને સમજાવતા, કોઈને ચિત્ર દોરતા, કોઈ બીજાઓની કાળજી લેવામાં આગળ હોય, કોઈ સજાવટમાં,  કોઈને ગણતરી કરતા સરસ આવડતું હોય, કોઈ ખુબ સારું ગઈ શકતું હોય, કોઈની વજન ઊંચકવાની તાકાત સારી હોય તો કોઈની કલાકો સુધી શાંતીથી બેસીને કામ કરવાની ક્ષમતા વધુ હોય, કોઈને હસાવતા સારું આવડતું હોય, કોઈ ખાવાનું સરસ બનાવે. એક જ વર્ગમાં ભણવામાં પહેલો નબર એક જ વ્યક્તિનો આવતો હોય પરંતુ રમતગમત અને ખેલ કુદમાં, નૃત્ય, કળા  અને નાટકમાં બીજા બાળકો આગળ હોય.  સામાન્યમાં સામાન્ય દેખાતા વ્યક્તિમાં કુદરતે કેટલીક આગવી ખુબ મૂકી જ છે અને તેનો અનુભવ જયારે આપણે  કોઈ પણ વ્યક્તિને નજીકથી જાણવાની કોશિશ કરીએ છીએ ત્યારે થાય છે. 

કુદરતે દરેક વ્યક્તિને  અનન્ય ખૂબીઓ બક્ષી છે. તેમ જોતાં કુદરતની કરામતમાં  દરેક વ્યક્તિ મહાન છે અને તેથી તમે પણ મહાન છો. કુદરતે  કોઈ પણ એક વ્યક્તિને બીજાથી ખરી રીતે મોટું કે મહાન બનાવ્યું જ નથી.   

હવે તે પણ સમજીએ કે આ સિદ્ધાંતનો અમલ કરવા કુદરતે દરેક માં કોઈ કેટલીક  ખૂબીઓ મૂકી પણ  બધી ખૂબી તમને નાં મળે. તમે દરેક વસ્તુ ઉત્તમ પ્રકારે નથી કરી શકતા. કોઈ કહેશે કે દરેક વસ્તુ કેળવી શકાય, પરંતુ જે કુદરતી દેન મળી છે તેમાં તમે વગર પ્રયત્ને સારું કરી શકો બીજી બાબતો શીખતા તમે થાકશો અને તેમ છતાં જેને કુદરતી દેન મળી હોય તે વ્યક્તિ તે ક્રિયા જેટલી સરસ રીતે  કરતો હોય તેવું તો કદાચ તમારાથી ના પણ થાય.  

આ રીતે દરેક વ્યક્તિ અનન્ય છે,  ભિન્ન છે. તેનામાં કોઈ ખુબીઓ છે તો બીજી આવડતો ઓછી વિકસેલી છે  અને આવા વ્યક્તિઓથી જ આ દુનિયા બનેલી છે. તેવી જ વ્યક્તિઓ તમે જે પણ સ્થળે જશો , જે પણ સમૂહ માં હશો ત્યાં તમને ત્યારે મળશે. તો આપણે  આ વસ્તુને સમજીને તેનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરી શકીએ?

આજે જગતમાં મોટે ભાગે વ્યક્તિઓ  એક વાત કહેતા સંભાળવામાં આવે છે.  ' મને કંટાળો આવે છે, મને આ નોકરી કરવી ગમતી નથી. તે એટલા માટે જ છે કે તઓએ  તેમના રસના વિષયને જાણ્યો  નથી અને બીજાઓએ કહેલા કે કોઈ બીજી લાલચથી પ્રેરાઈને અન્ય ભળતું જ કાર્ય કરવાનું ચાલુ કરી દીધું છે.

સૌથી પહેલા દરેક જણે પોતાની ખૂબીઓને સારી રીતે સમજી લેવી જોઈએ.  તમે જે કાર્ય ખુબ સહેલાથી કરી લેતા હોય, તમને જે કામ કરવામાં કંટાળો નાં આવતો હોય તે કુદરતે તમારા માટે નક્કી કરેલું છે.  તમે વિચારશો એટલે તમને તે મળી જ જશે.  જયારે કોઈ કાર્ય કરવાનું હોય તો શક્યત: 2-3 કે વધુ વ્યકતીઓએ સાથે મળીને કરવું જોઈએ. જેથી તેમાં દરેક વ્યક્તિની ખૂબીઓનો ઉપયોગ થઇ શકે. ખુબ સમજીને જે વ્યક્તિની જે કોઈ ખૂબી  હોય તેને તેવા પ્રકારનું કાર્ય સોંપવું જોઈએ. દરેકને તેની આવડત  અને રસ મુજબના કામ ની સોંપણી થવી જોઈએ.તેમ કરવાથી આખું કાર્ય સરળતાથી થઇ શકાશે. એક કુટુંબમાં જો 5 વ્યક્તિઓ હોય અને  ઘરની  દરેક વ્યક્તિ ઘરના એક જ મુખ્ય વ્યક્તિ પર આધારિત નાં રહેતાં  દરેક પોતાની આવડત મુજબની જવાબદારી સ્વીકારી લે તો આખા ઘરનું સંચાલન ખુબ સરળતાથી થઇ જાય. આવું જ કોઈ પણ નાના કે મોટા કાર્ય માટે પણ  થઇ શકે.  

No comments:

Post a Comment